Type Here to Get Search Results !

Infolinks In Text Ads

સ્ટાફ (Staff) -Best story in Gujarati by Mukeshbhai Sojitra

0
લાલો આજ વહેલો ઉઠ્યો, નાહી ધોઈ તૈયાર થઈ. ભગવાનને પગે લાગ્યો.આજ થોડી વધારે પ્રાર્થના કરી,સાચા મનથી કરી. માતા પિતાને પગે લાગ્યો, બહેને ચાંદલો કર્યો, અને ગોળથી મો મીઠું કરાવ્યું. લાલાએ પોતાનો કોલ લેટર લીધો,બધુ ચેક કર્યું, આઈ ડી પ્રુફ લીધુ. બાઇક કાઢી હેલ્મેટ ચડાવ્યું,કીક મારી. આજે તે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપવા જતો હતો. રસ્તામાં દર્શનના ઘર પાસે બાઇક ઊભી રાખી. દર્શન તૈયાર થઇને જ ઉભો હતો.બ્લેક ગોગલ્સ પહેરીને.લાલો નીચે ઊતર્યો ચાવી દર્શનને આપી. દર્શને બાઇક સ્ટાર્ટ કરીને રાજકોટ ભાવનગર હાઈ વે પર બાઇક પાણીનાં રેલાની જેમ ચાલી રહી હતી. શિહોરની એલ.ડી.મુની હાઈસ્કુલમાં તેમનું એક્ઝામ સેન્ટર હતુ. માંડવાનાં ઢાળે પહોંચ્યા ત્યા જોયું કે સંજયની બાઇક્નું ટાયર ફાટી ગયું હતુ.દર્શને બાઇક રોકીને સંજયને બેસવાનું કહ્યુ,સંજયને જ પરીક્ષા આપવાની હતી એટલે એણે એનાં ભાઈને બાઇક આપીને પોતે બેસી ગયો.....
રંઘોળા ચોકડી પાસે જોયું તો પોલીસનું ચેકિંગ હતું. પીએસઆઇ બારડ રોડની એક બાજુ જીપ પાસે ઉભા હતાં અને બે કોન્સ્ટેબલ વાહનો ચેક કરતાં હતાં. લાલાની બાઇકને કોન્સ્ટેબલે રોકી, ચાવી કાઢી લીધી, ને કહ્યુ
"કેમ ત્રણ સવારી જાવ સાબ પાસે"
દર્શન એકલો ગયો પીએસઆઇ બારડ પાસે. પીએસઆઇ બારડનો સ્વભાવ થોડો કડક અને આકરાં પાણીએ હતો. દર્શને ત્યાં જઇને સાહેબને સેલ્યુટ મારીને કોંન્ફિડન્સથી કહયું
"સર, સ્ટાફ"
"કંઇ બ્રાન્ચ, ક્યાં પોસ્ટિંગ," બારડે ગંભીર મુખમુદ્રા કરી સિગારેટ સળગાવતાં કહ્યુ.
"સર, અત્યારે તો પરીક્ષા આપવા જઈએ છીએ, પાસ તો અમે થઈ જ જવાનાં, આમ તો અમે બે જ હતાં, પણ આ સંજયનું બાઇક બગડ્યૂ એટલે ના છૂટકે ત્રણ સવારી કરવી પડી,બાકી સાહેબ ગાડીના બીજા કાગળ અને લાઇસન્સ સાથે છે" દર્શને કહ્યુ.
સિગારેટ નો કશ મારતા મારતાં બારડનાં ચહેરા પર સ્મિત આવ્યુ. દર્શનની પીઠ થાબડી ને બારડ બોલ્યાં
"આઇ એમ વેઇટીન્ગ" અને પછી કોન્સ્ટેબલ તરફ જોઈને કડક મુખ મુદ્રા સાથે કહ્યુ
" પાટીલ આમને જવા દેજે આતો આપણાં સ્ટાફના જ છે."



લેખક:-મુકેશ સોજીત્રા
મુ. ઢસા ગામ, તા.-ગઢડા જી;- બોટાદ...   

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.