આગથી જીવ બચ્યો! ટાઈટેનિક જેવી એક ગૂઢ ઘટનામાં નરેન્દ્ર બચી ગયો. તેણે હિંમત કરીને તરવાનો પ્રયાસ કર્યો. કહેવાય છે કે હિંમત કરનારને ભગવાન પણ મદદ કરે છે. એ તો તરતો તરતો એક ટાપુ પર પહોંચી ગયો. ટાપુ સાવ નિર્જન હતો. અરે, કોઈ પશુ-પ્રાણી પણ ત્યાં નહોતાં. થાકેલાં નરેન્દ્રએ થોડો આરામ કર્યો અને પછી ટાપુનું નિરીક્ષણ કર્યું. ફળો અને નાળિયેરનાં વૃક્ષોને કારણે પોતાને થોડા દિવસ તો કંઈ વાંધો નહીં આવે એવું વિચારી તેણે લાકડાં અને ઘાસ એકત્ર કરી કામચલાઉ ઝૂંપડી તૈયાર કરી દીધી. નિર્જન ટાપુ પર એકલો એકલો ફર્યા કરતો અને આખો દિવસ બધી બાજુ એવી આશાએ દૂર દૂર સુધી નજર નાખ્યાં કરતો કે ક્યાંક કોઈ જહાજ કે હોડી દેખાઈ જાય તો પોતે અહીંથી જઈ શકે. મહિનાઓ સુધી આ ક્રમ ચાલ્યો પણ કોઈ દેખાયું નહીં. હવે તેની હતાશા વધી રહી હતી. શિયાળો શરૂ થઈ ગયો હતો અને તેની પાસે તો પહેરવા-ઓઢવા માટે પણ કશું હતું નહીં. ઠંડીથી બચવા તેણે ઝૂંપડીથી થોડે દૂર પથ્થરો ઘસી આગ લગાવીને તાપણું કર્યું, પરંતુ અચાનક પવનની દિશા બદલાતા આગની જવાળા મોટી થઈ ગઈ અને તેને કારણે ઝૂંપડી સળગવા લાગી. નરેન્દ્રના દુઃખનો કોઈ પાર ન રહ્યો. મહામહેનતે તૈયાર કરેલી ઝૂંપડી પણ આમ સળગી જતાં વ્યથિત નરેન્દ્ર માથે હાથ દઈને કલાકો સુધી બેસી રહ્યો. એટલામાં એને કંઈક અવાજ સંભળાયો. પાછળ વળીને જોયું તો એક મોટી હોડી છેક કિનારા પાસે આવી ગઈ હતી. તેમાંથી કેટલાક માણસો નરેન્દ્ર પાસે આવ્યા અને તેને ત્યાંથી લઈ ગયા. પરત જતાં જતાં એ લોકોએ નરેન્દ્રને કહ્યું કે, અમે તો અલગ રસ્તે જઈ રહ્યા હતા પરંતુ થોડા માઈલ દૂરથી મોટી આગ જોઈ એટલે અમને લાગ્યું કે કોઈ અમારી મદદ માંગે છે એટલે અમે અહીં આવ્યા.
પ્રકૃતિના પ્રત્યેક તત્ત્વમાં ઈશ્વરનો અંશ સ્વીકારીએ છીએ એ આપણી સંસ્કૃતિ છે. ઝૂંપડી સળગી જવાથી હતાશ થઈ ગયેલા નરેન્દ્ર માટે એ આગ જ નવા જીવનનો સંદેશો બની રહી અને કેટલાય મહિને નિર્જન ટાપુ પરથી તેનો છુટકારો થયો.
(‘જીવનની પાઠશાળા’ પુસ્તકમાંથી સાભાર)


