Type Here to Get Search Results !

Infolinks In Text Ads

વાસ (VAS )Story in gujarati -Mukeshbhai sojitra

0
મિહિરસિંહ આમેય ખાનદાની રાજપૂત, ગૌર ચહેરો, માપસરની પણ પાણીદાર મૂછો, ઊંચો અને મજબૂત બાંધો, ચાલમાં પણ એક પ્રકારની તમને રિધમ જોવા મળે, રાજપુતી લોહી એટલે શૂરવીરતા તો હોવાની જ અને એમાંય પાછી પોલીસ કોન્સટેબલમાં નોકરી એટલે જાણે સોનામાં સુગંધ ભળી. નોકરી તો એક કરવાં ખાતર જ કરવાની બાકી ઘરે કોઈ ખામી નહોતી. બાપ દાદાની લાખોની મિલકતનો એક માત્ર વારસદાર હતા, બેઠા બેઠા ખાઈ તો પણ ખૂટે તો નહિ જ પણ કહેવાય છે કે જેનામાં શૂરવીરતા અને ખાનદાની લોહી જ એવું હોય કે તમને બેઠા બેઠા ખાવાની ઈચ્છા જ ના થાય.
પહેલું જ પોસ્ટિંગ અમદાવાના સેટેલાઇટ વિસ્તારમાં. ટૂંક સમયમાં જ લોકચાહના, એક એસપીને લોકચાહના મળે એનાં કરતાં એક કોન્સ્ટેબલને લોક ચાહના વધારે ઝડપી મળે કારણ કે સીધો લોક સંપર્ક, ગમે તેવા ચમરબંધીને કાયદાનો ભંગ કરતા હોય તો નહિ છોડવાના હા, પાછી નકરી લુખ્ખાગીરી નહિ સંજોગવશાત કાયદાનો ભંગ થાય તો ચાલે,પણ મોટે ભાગે કાયદાનો અમલ કરાવેજ, અમદાવાદમાં નોકરી કરવી એટલે થોડી અઘરી માણસો ઓછાને વકીલો ઘણાં. શરૂઆતમાં કોઈ ગુનામાં કોઈને પકડે એટલો પેલો મોટી મોટી કરે ને મારે આમ ઓળખાણ છે, આ મારા સંબંધી થાય છે, એમ કહે એટલે નક્કી મિહિરસિંહની થપ્પડ પડે એટલે પેલાની બધી ઓળખાણો અચાનક જ રાજીનામુ આપી ને જતી રહે. હા તે મારતાં ભાગ્યેજ, કાયદાનું કામ કાયદો કરે પણ ઘણા કાયદાના બાપ બનવા જાય એને મિહિરસિંહની એક થપ્પડ જમીન પર લાવી દેતી.
એક વખત સી,જી, રોડ પર એક યુવાન પોતાની ગર્લ ફ્રેન્ડને પાછળ બેસાડીને જાણે એની માં પરણીને આવી હોય અને સાથે એ આ રોડ કરિયાવરમાં લાવી હોય એમ સર્પાકારે બાઇક ચલાવતો હતો, મિહિરસિંહે રોક્યો. પાછળ છોકરી બેઠી હોય એટલે વળ વિસ ટકા વધી જાય એ નિયમ.
" મારા પપ્પાનાં નામની ખબર છે"? પેલાએ હિરોગીરી શરુ કરી.
" એ તારી માને પૂછ કે તારા બાપનું નામ શું છે, મને ક્યાંથી ખબર હોય" એટલું જ કહેતા એ લવરમૂછિયા ના ગાલ પર ડાબા હાથની એક રાજપૂતી છાપ પડી ગઈ. અને બાઇક ડિટેઇન થયું,હોહા થઇ લોકો આવવા લાગ્યા,એક જાણીતાં રાજકારણીનો છોકરો હતો એ,,, પણ સત્યનો તાપ એટલો લાગ્યો કે કોઈ ઉપરી અધિકારીએ મિહિરસિંહને પૂછ્યું પણ નહિ, કે ઠપકો પણ ના આપ્યો. ગુનેગારોને શોધવાની શક્તિ એનામાં ભગવાનની દેન કહી શકાય. પછી તો ચાહના એવી વધી કે અમદાવાદમાં ગમે ત્યાં ક્રાઇમ થાય,પ્રથમ સ્થળ તપાસ માટે મિહિરસિંહ તો હોય જ, ગુનાનો એક પણ પુરાવો જો બાજ ની આંખમાંથી શિકાર છટકે તો મિહિર સિંહની આંખમાંથી છટકે. એક વાર પુરાવો હાથ લાગે એટલે આઠ જ દિવસમાં ગુનેગાર સળીયા પાછળ.શાંત અને સામાન્ય દેખાતી આંખો જયારે ગુનાનો ભેદ ઉકેલતી હોય ત્યારે એકદમ કરડી લાગે અને ઘણાં ખરાં ગુનેગારો મિહિરસિંહની સામે આંખ મિલાવતા જ નહિ, પણ,,,, છેલ્લાં કેટલા સમયથી સારથી બંગ્લોમાં એક વૃદ્ધ દંપતિનો મર્ડર કેસ ઉકેલાતો નહોતો,એનો ઘા મિહિરસિંહને મગજમાં હથોડાની જેમ ઝીંકાતો હતો, એ ફાઇલ દિવસમાં બે વાર ખોલે પુરાવામાં કશું નહોતું મળ્યું,ડોગ સ્ક્વોડ પણ લાવ્યાતા, મિહિરસિંહ ચાર વાર સ્થળ તપાસ કરી આવ્યાં,રીઢા ગુનેગારોના અંકોડા મેળવી જોયાં, પણ પરિણામ શૂન્ય. એક માત્ર એક ગંધાતો તીવ્ર વાસ વાળો રૂમાલ ગેટની બહારથી મળ્યોતો મિહિરસિંહે રૂમાલ હાથમાં લીધો અને જેવો નાક પાસે લઇ ગયા કે તીવ્ર વાસ આવી,એને કમકમા આવી ગયાં, આવી વાસ એણે પહેલા ક્યારેય નહોતી અનુભવી. એફ એસ એલમાં મોકલ્યો એ રૂમાલને પણ એફએસએલ પણ એક નિર્ણય પર ના આવી કે આ વાસ શેની છે. અને આમેય બંગલાના ગેટની બહાર રોડ પરથી મળી આવેલ એ રૂમાલ હતો એટલે કોઈ પણ ગુનેગારને પકડવા માટે એ 'સફીસયન્ટ પ્રૂફ"તો નહોતુજ.
" તમે એક કામ કરો બે વરસથી એક પણ રજા નથી લીધી, તો બહાર ક્યાંક ફરી આવો" પીઆઇ પટેલે મિહિરસિંહને કહ્યું,પટેલ એની મનોસ્થિતિ સમજતા હતાં.
" આપણી મોટાભાગની જિંદગી ગુનેગારોની "આણવા"માં જાય છે તમારે સમય છે બાપુ જિંદગી "માણવા"નો તો માણી લો" પીઆઇ પટેલ આજે પૂરાં ખીલ્યા હતાં. પટેલ અને મિહિરસિંહ વચ્ચે ગજબની આત્મીયતા એક બીજા એકબીજાનો પડ્યો બોલ હંમેશા ઝીલી લેતાં.
મિહિરસિંહે ઘરે વાત કરી, રાજીના રેડ. પોલીસની પત્નીઓ ને ફરવાના મોકા ખુબ જ ઓછાં આવે અને એમાંયે નિષ્ઠાવાન પોલીસની પત્નીને તો આવા મોકા ક્યારેક જ આવે કારણકે એનો પતિ પહેલેથી જ "ડ્યુટી"ને પરણી ચુક્યો હૉય છે,અને લાંબો સમય એ "ડ્યુટી" સાથે જ હોય છે. મિહિરસિંહની ઈચ્છા લાંબા સમય થી ઉજ્જૈન જવાની હતી.તેઓ તરત જ જવા નીકળી ગયાં.એક પ્રાઇવેટ બસમાં બેય પતિ પત્ની સંગાથ માણી રહ્યા હતાં. ઘણા દિવસ પછી આટલો સમય મળ્યો હતો. બસ મદયપ્રદેશ બોર્ડર પહોંચી, ચકચાણીની જરૂરી વિધિ ચાલતી હતી, મિહિરસિંહ હેઠા ઉતર્યા પગ હળવા કરવાં, બેય બાજુ વાહનોનો થપ્પો હતો,લગભગ અડધો કલાક જતો રહેવાનો અને અચાનક જ મિહિરસિંહને એક તીવ્ર વાસ આવી ને દિમાગ ઝાટકો મારી ગયું,..... વાસ..... તીવ્ર વાસ.... પેલાં રૂમાલની વાસ.... એની આંખમાં પ્રેમનું પૂર ગાયબ થઇ ગયું અને એ બાઝપણું નીતરી આવ્યું.. ઉપરથી સમળી જમીન પર શિકાર શોધે એમ મિહિરસિંહ એ વાંસની દિશામાં ચાલ્યાં, આ વાસ અને પેલો સારથી બંગલાનો કેસ તેનો માથાનો દુઃખાવોઓ બની ગયા હતાં. અચાનક થોડે આગળ જતા એક આદમી પેસી રૂમાલ દેખાયો,મિહિરસિંહે સાદ કર્યો અને પેલાએ જોયું આંખથી આંખ મળીને સસલું સિંહને દેખીને ભાગે એમ ભાગ્યું બાજુની વનરાજીમાં, ને મિહિરસિંહનું અનુમાન સાચું પડ્યું,કોઈ કારણ વગરનો ભાગે નહિ. મિહિરસિંહ એની પાછળ પડ્યાં,એની પત્નીએ આ બારીમાંથી જોયું,એ નીચે ઊતરી ને વાત કરીને પોતાના પતિનો પરિચય આપ્યો, બસમાં ઘણાં એના નામથી પરિચિત નિકળ્યા ઘણાંએ આશ્વાસન આપ્યું
" તમે ચિંતા ના કરો સાહેબ હમણાં આવતા જ હશે,એને પકડીને, સાબ માટે તો આ ડાબા હાથનો ખેલ કહેવાય" ઘણાંએ કામચલાઉ બહાદુરી બતાવીને હું સાબને ગોતવા જાવ છું એમ કહીને જાળાંમાં થોડાક દૂર ગયાં પણ ખરાં. વિસ મિનિટસ્ પછી મિહિરસિંહ પેલાને પકડીને લાવ્યાં પેલાને બેય ગાલે આંગળિયું ઉપસી આવેલી હતી ઉપલો હોઠ અડધો તૂટી ગયો હતો, મહિરસિંહે આવી ને પેલાને ત્યાં સ્થાનિક પોલીસ પાસે લઇ ગયાં, અમદાવાદ ફોન કર્યો કર્યો પીઆઇ પટેલને કે પેલો આરોપી ઝડપાઇ ગયો છે. ત્યાંથી ટિમ રવાના થઇ આરોપીને લઇ જવા માટે. બસ કલાક મોડી ઉપડીને બસમાં સહુએ તાળીઓ પાડી. પત્નીને આવેલો ગુસ્સો તાળીઓના ગાડગડાટમાં ઓગળી ગયો.
" પણ એ તમને જોઈને ભાગ્યો કેમ"? પત્નીએ પૂછ્યું.
"મેં પણ એને એજ પૂછ્યું હતું પકડીને એ ડરી જ ગયો હતો આંખોથી ડરી ગયો તો અને એ સીધું જ બોલવા લાગ્યો કે મેં જ ખૂન કર્યું છે મેં જ ચોરી કરી છે,પણ મને મારતા નહીં,તમારો માર આકરો છે એવું બબડતો હતો." મિહિરસિંહે કહ્યું
" અને પેલી વાસ શેની હતી"? પત્ની બોલી.
" એ લગભગ દેશી દારૂ સાથે સરસિયાનું તેલ પીતો એટલે એવી તીવ્ર વાસ આવતી હતી, હું જયારે એને પકડીને લાવતો હતો ત્યારે પોપટની જેમ બોલતો હતો, આમ તો એ દેશી જ પીતો પણ એક વખત સરસિયાની તપેલીમાં ભૂલથી દારૂ ભળી ગયો હવે એ કાંઈ નાંખી દેવાય, એટલે પી ગયો અને ઓર નશો આવ્યો.પછી રૂમાલથી મોઢું સાફ કરે પછી મોઢામાંથી અને રૂમાલથી અલગ જ વાસ આવે, એ વાસે જ એને પકડાવ્યો". મિહિરસિંહે માંડીને વાત કરી.
પત્ની પ્રસન્નતાથી છણકો કરીને બોલી " તમારો કોઈ ભરોસો નહીં, તમે ગમે ત્યારે ,ગમે ત્યાં , મૂકીને જતાં તો રહો જ, ભૂલ કરી છે મેં "
"એના ફળ હું ભોગવું છું" મિહિરસિંહે કહ્યું ને તરત જ એક ગુલાબી ગુસ્સો હાસ્ય અને હિતમાં ફેરવાઈ ગયો..
પોલીસવાળાની પહેલી પત્ની ડ્યુટી છે એ વાત સાચી છે.....



લેખક:-મુકેશ સોજીત્રા
મુ. ઢસા ગામ, તા.-ગઢડા જી;- બોટાદ...   

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.